શું તમારા બાળકનું બાળ આધાર કાર્ડ બન્યું છે? જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા

ઘણો વખત માતા-પિતા વિચારે છે કે બાળકો નાના છે, અત્યારે તેમને આધાર કાર્ડની શું જરૂર? પણ આજના સમયમાં આધાર કાર્ડ એ ઓળખનો પહેલો દસ્તાવેજ બની ગયો છે. બેંક એકાઉન્ટ ખોલાવવું હોય, સ્કૂલ એડમિશન લેવું હોય કે કોઈ સરકારી યોજના માટે અરજી કરવી હોય – બધે આધારની માંગ થાય છે. તો પછી તમારા નાના સંતાન માટે બાળ આધાર બનાવવું કેમ જરૂરી નથી? Baal Aadhaar Card gujarat

બાળ આધાર કાર્ડ શું છે?

બાળ આધાર એ 5 વર્ષથી નાના બાળકો માટેનું ખાસ આધાર કાર્ડ છે. તેમાં બાળકનું નામ, ફોટો, જન્મ તારીખ અને માતા-પિતાની માહિતી હોય છે. આ ઉંમરે બાળકોના બાયોમેટ્રિક (ફિંગરપ્રિન્ટ અને આઈરિસ સ્કેન) લેવામાં આવતા નથી, એટલે પ્રક્રિયા પણ સરળ છે.

બાળ આધાર ક્યાં બનાવી શકાય?

તમે નજીકના આધાર એનરોલમેન્ટ સેન્ટર જઈ શકો છો. ઘણા સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં બાળકના જન્મ સમયે જ બર્થ સર્ટિફિકેટ સાથે આધાર એનરોલમેન્ટ કરવાની સુવિધા હોય છે.

બાળ આધાર માટે અરજી કરવાની પ્રક્રિયા

જો તમે ઓનલાઈન પ્રોસેસ પસંદ કરો તો UIDAIની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને “My Aadhaar” વિભાગમાંથી “Book an Appointment” પર ક્લિક કરી શકો છો. ત્યાં શહેર અને મોબાઈલ નંબર દાખલ કર્યા પછી મળેલો OTP વેરિફાય કરવો પડે છે. ત્યારબાદ તમને નજીકના સેન્ટર પર જવાની તારીખ અને સમય પસંદ કરવાની તક મળે છે. આ દિવસે બાળક સાથે સેન્ટર પર જઈને માતા-પિતાની બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવવી પડે છે. અરજી પૂર્ણ થયા પછી બાળ આધાર થોડા સમયમાં તમારા સરનામે પોસ્ટ દ્વારા આવી જશે.

જો તમને સીધા જ સેન્ટર જવું સરળ લાગે તો ઑફલાઈન પ્રોસેસ પણ તેટલી જ સરળ છે. ત્યાં જઈને ફોર્મ ભરો, જરૂરી દસ્તાવેજો આપો અને acknowledgment slip મેળવી લો. આ slipમાં Enrollment ID મળે છે, જેના આધારે તમે આધાર કાર્ડની સ્થિતિ ઑનલાઈન ચેક કરી શકો છો. સામાન્ય રીતે બે થી ત્રણ મહિના વચ્ચે કાર્ડ તૈયાર થઈને ઘેર આવી જાય છે.

બાળ આધાર માટે જરૂરી દસ્તાવેજો

બાળ આધાર બનાવવા માટે બાળકનું જન્મ પ્રમાણપત્ર અથવા હોસ્પિટલની ડિસ્ચાર્જ સ્લિપ જરૂરી છે. ઉપરાંત માતા-પિતામાંથી એકનો આધાર કાર્ડ અને સરનામાનો પુરાવો આપવો પડે છે. કારણ કે બાળકનો આધાર માતા-પિતાના આધાર સાથે લિંક થાય છે, તેથી માતા-પિતાની હાજરી ફરજિયાત છે.

બાળ આધાર બનાવવાની ફી

સૌથી સારા સમાચાર એ છે કે પાંચ વર્ષથી નાના બાળકો માટે આધાર કાર્ડ બનાવવા માટે કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. આ સંપૂર્ણ મફત સેવા છે. બાળક જ્યારે પાંચ વર્ષનો થાય છે ત્યારે તેના બાયોમેટ્રિક અપડેટ કરવાની જરૂર પડે છે, જે પ્રક્રિયા પણ મફતમાં થાય છે.

બાળ આધારના ફાયદા

બાળ આધાર બાળકની ઓળખ અને સરનામાનું સત્તાવાર પુરાવું બને છે. આ કાર્ડને કારણે બાળકને સરકારી યોજનાઓનો લાભ મેળવવો સરળ બને છે. સ્કૂલ એડમિશન, સ્કોલરશિપ અને અન્ય અનેક પ્રક્રિયામાં આ દસ્તાવેજ જરૂરી સાબિત થાય છે. આરોગ્ય સેવાઓ, ઇન્સ્યોરન્સ અને રસીકરણ વખતે પણ આ કાર્ડ બહુ ઉપયોગી છે. સૌથી મોટી વાત એ છે કે બાળક જ્યારે મોટું થાય ત્યારે આ આધાર અપડેટ કરીને આખું જીવન માન્ય રહી શકે છે.

જ્યારે બાળક પાંચ કે પંદર વર્ષનો થાય ત્યારે

બાળક પાંચ વર્ષનો થાય ત્યારે તેના ફિંગરપ્રિન્ટ, આઈરિસ સ્કેન અને નવી તસવીર લેવામાં આવે છે. આ બાયોમેટ્રિક અપડેટ ફરજિયાત છે. ત્યારબાદ જ્યારે બાળક પંદર વર્ષનો થાય ત્યારે ફરીથી એક વખત સંપૂર્ણ બાયોમેટ્રિક અપડેટ કરાવવું પડે છે. આ રીતે આધાર કાર્ડ બાળક સાથે જીવનભર જોડાયેલ રહે છે.

Leave a Comment