UIDAIનો મોટો નિર્ણય: બાળકોના આધાર બાયોમેટ્રિક અપડેટ હવે એક વર્ષ માટે સંપૂર્ણ ફ્રી

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ 1 ઓક્ટોબર, 2025થી આધાર સંબંધિત વિવિધ સેવાઓના ચાર્જમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. હવે બાયોમેટ્રિક, ડેમોગ્રાફિક અને અન્ય અપડેટ માટે લોકો પાસે રૂ. 50 થી 700 સુધીના વધેલા ચાર્જ ચૂકવવા પડશે. પરંતુ આ વચ્ચે બાળકો માટે એક મોટી રાહત જાહેર કરવામાં આવી છે, જે લાખો માતા-પિતાના ચહેરા પર ખુશી લાવી રહી છે. UIDAI Aadhaar Biometric Update Charges 125

બાળકો માટે આધાર અપડેટ હવે ફ્રી

UIDAIએ જાહેરાત કરી છે કે 1 ઓક્ટોબર, 2025થી 30 સપ્ટેમ્બર, 2026 સુધી બાળકોના આધાર કાર્ડ માટે બાયોમેટ્રિક અપડેટનો ચાર્જ સંપૂર્ણપણે માફ રહેશે. અગાઉ આ સેવા માટે રૂ. 125 વસુલવામાં આવતા હતા, પરંતુ હવે એક વર્ષ સુધી આ પ્રક્રિયા સંપૂર્ણ મફત રહેશે.

આ નિર્ણયથી અંદાજે 6 કરોડથી વધુ બાળકોને સીધો લાભ મળશે. એટલે કે, હવે માતા-પિતાને આધાર અપડેટ માટે કોઈ ફી ચૂકવવાની જરૂર નહીં રહે, અને બાળકોનો આધાર ડેટા પણ વધુ સચોટ અને અદ્યતન રહેશે.

5 વર્ષથી ઓછા બાળકોના આધારની પ્રક્રિયા કેવી?

જ્યારે કોઈ બાળકની ઉંમર 5 વર્ષથી ઓછી હોય છે, ત્યારે તેના આધાર કાર્ડમાં ફિંગર પ્રિન્ટ્સ અથવા આઇરિસ સ્કેન લેવામાં આવતા નથી, કારણ કે આ ઉંમરે બાળકોના બાયોમેટ્રિક લક્ષણો સંપૂર્ણ વિકસિત થતા નથી. આવી સ્થિતિમાં આધાર કાર્ડમાં માત્ર નામ, સરનામું, જન્મતારીખ, જાતિ, ફોટો અને જન્મ પ્રમાણપત્રના આધારે માહિતી દાખલ કરવામાં આવે છે.

જ્યારે બાળક 5 વર્ષનો થાય છે, ત્યારે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ (MBU-1) કરાવવું પડે છે. આ સમયે ફિંગર પ્રિન્ટ્સ, આઇરિસ સ્કેન અને નવો ફોટો લેવામાં આવે છે. ત્યારબાદ 15 થી 17 વર્ષની ઉંમરે ફરી એક વાર અપડેટ કરાવવું જરૂરી બને છે, જે આ એક વર્ષ માટે મફતમાં થશે.

માતા-પિતાને મોટી રાહત

UIDAIના આ નિર્ણયથી ખાસ કરીને મધ્યમ વર્ગ અને સામાન્ય પરિવારોને મોટી સહુલિયત મળશે. કારણ કે ઘણીવાર બાળકોના આધાર અપડેટ માટે માતા-પિતાને અલગથી ચાર્જ ચૂકવવો પડતો હતો. હવે એક વર્ષ સુધી આ ખર્ચ બચી જશે, અને સાથે-સાથે બાળકોનો ડેટા પણ રાષ્ટ્રીય રેકોર્ડમાં અદ્યતન રહેશે.

આ સાથે UIDAIએ સૌને સમયસર આધાર અપડેટ કરાવવા અપીલ પણ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ સરકારી યોજના કે સેવા મેળવવામાં વિલંબ ન થાય.

Leave a Comment